પરિષદનું કેન્દ્રબિંદુ : મધ્યસ્થ સમિતિ
'પરિષદની નીતિવિષયક બાબતો અંગેનો નિર્ણય મધ્યસ્થ સમિતિ કરશે.'
[કલમ 5- અ, ગુજરાતી સાહિત્ય પરિષદનું સંવર્ધિત બંધારણ - ઓગષ્ટ 2020]
ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા (Autonomy) પુનઃસ્થાપિત કરવા અંગે ઐતિહાસિક પહેલ કરનાર ભૂતપૂર્વ પરિષદપ્રમુખ નારાયણ દેસાઈના નામને વીર નર્મદ યુનિવર્સીટીના નરેશ શુક્લ જેવા એક જવાબદાર અધ્યાપકે હાલની પ્રમુખપદની ચૂંટણીપ્રચારના આવેશમાં જે રીતે ખરડવાની કોશિશ કરી તેથી દુઃખ થયું. નારાયણભાઈ પરિષદપ્રમુખ બન્યા તે અગાઉ કોઈએ કરેલી સસ્તી નુક્તેચીનીને કશાય તાર્કિક સંદર્ભ વિના આજની ચર્ચામાં ફરી તાણી લાવી બે સસ્તા શબ્દો એમના નામ સાથે ટેગ કરવાની એમની નાદાન ગુસ્તાખી માટે નરેશ શુક્લને ઇતિહાસ માફ નહીં કરે.
પરિષદની હાલની ચૂંટણીમાં, અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો પ્રમુખ મુદ્દો ચોક્કસ છે, પણ એ એકમાત્ર મુદ્દો નથી. પરિષદના વહીવટમાં છેલ્લા ઘણા વર્ષોથી વરતાતી શિથિલતા પણ એક મહત્વનો મુદ્દો છે. પરંતુ આ બાબત પરિષદપ્રમુખ કરતાં પરિષદમંત્રીઓને વધુ લાગુ પડતી હોઈ મધ્યસ્થ સમિતિની ચૂંટણી સંદર્ભે એની ચર્ચા થાય તે ઇચ્છનીય છે. જોકે નવા ચૂંટાનારા પ્રમુખ પણ એ વિષે સજગતા દાખવે તે અપેક્ષિત છે.
આ વખતની ચૂંટણી દરમ્યાન બીજો એક ગંભીર પ્રશ્ન સામે આવી ઉભો તે ચૂંટણીસમિતિ દ્વારા ચકાસણી બાદ રદ કરાતા ઉમેદવારીપત્રકોનો. ખાસ તો, જેમની ઉમેદવારી આ રીતે રદ કરાય છે તેમને સમયસર અને વિધિસર તે અંગે પરિષદ કાર્યાલય તરફથી લેખિત જાણ કરાતી નથી, અને તે અંગે જેતે ઉમેદવારને અપીલમાં જવાનો અવકાશ રહેતો નથી. આ સાચેજ ગંભીર બાબત છે. કેમકે, જયારે ચૂંટણી સમિતિ અથવા પરિષદકાર્યાલયની અનદેખીને લીધે અથવા અન્ય કારણોસર કોઈ સભ્યની ઉમેદવારી રદ કરાય છે ત્યારે ચૂંટણીમાં ભાગ લેવાના તે સભ્યના મૂળભૂત અધિકારનું હનન થાય છે. પરિષદે આ અંગે જાહેર ખુલાસો કર્યા વિના ચાલશે નહીં.
ખેર, પરિષદ એક સ્વાયત્ત પ્રજાકીય સંસ્થા છે. કોઈ એક પ્રમુખ કે ટ્રસ્ટી કે કોઈ એક જૂથની જોહુકમી ત્યાં ચલાવી લેવાતી નથી. ભૂતકાળમાં જ્યારેજ્યારે એવી હરકત થવા પામી છે ત્યારેત્યારે તેનો લોકશાહી પદ્ધતિએ વિરોધ અને પ્રતિકાર કરવામાં આવ્યો છે. મુનશી-ઉમાશંકર એપિસોડ એનો પહેલો પુરાવો હતો. તો, છેલ્લા દોઢેક દશકથી પરિષદપ્રમુખની વિધિવત ચૂંટણી કરવાની થાય છે અને પ્રભાવશાળી સિનિયર્સ વડે કરાતા ચૂંટણી ટાળવાના પ્રયાસોને સફળતાપૂર્વક ખાળી શકાય છે તે આનો વધુ એક પુરાવો છે. વર્તમાન ચૂંટણીમાં સંવર્ધક અને સંસ્થાસભ્યોના વિભાગોમાં પહેલવહેલી વાર ચૂંટણી થઇ રહી છે તે પણ આ સંદર્ભે નોંધનીય બાબત છે.
પરિષદનસંમેલનના પ્રમુખ તે પરિષદના તેમજ તેની કાર્યવાહક અને મધ્યસ્થ સમિતિના પ્રમુખ ગણાય છે. પરિષદની કોઈ પણ કાર્યવાહી દરમ્યાન નીતિનિયમોના અર્થઘટન અંગે પ્રમુખનો નિર્ણય આખરી ગણવામાં આવે છે. આમ, પરિષદપ્રમુખ પરિષદના વહીવટી વડા પણ છે, પરંતુ વહીવટની તમામ કામગીરી મધ્યસ્થ સમિતિને આધીન રહીને કારોબારી સમિતિ કરે છે.
આ કારોબારીના તમામ નિર્ણયોનો અમલ મહામંત્રી કરે છે. અન્ય મંત્રીઓ પોતપોતાના વિભાગોની કામગીરી કરે છે. આ સર્વે આખરે મધ્યસ્થ સમિતિને અધીન છે, જેના વડા પરિષદપ્રમુખ છે.
આ મુજબનું સંસ્થાના વહીવટનું મોડેલ પરિષદની સ્થાપના વખતે રણજિતરામે તત્કાલીન ફ્રેન્ચ એકેડેમીની સમાંતર કલ્પેલું. તત્કાલીન ફ્રેન્ચ એકેડેમીમાં પણ ચાલીસ સભ્યોની મધ્યસ્થ સમિતિની જોગવાઈ હતી. ચીમનભાઈ ત્રિવેદી અને નિરંજન ભગતે અગાઉ આ વિષે વિગતસર લખેલું છે.
આજે જયારે વધુ એકવાર પરિષદના સભ્યો તેમના પ્રમુખ અને મધ્યસ્થ સમિતિની ચૂંટણી કરી રહ્યા છે ત્યારે સૌએ પરિષદના આ વહીવટી મોડેલનો ખ્યાલ રાખવો જોઈશે. એ જ રીતે પરિષદના ટીકાકારો તેમજ પ્રશંશકોએ અકાદમી અને પરિષદ વચ્ચેના મૂળભૂત ભેદને પણ સમજવો પડશે. ચૂંટણી દરમ્યાન થતી જાહેર ટીકાટિપ્પણો દરમ્યાન પરિષદની વહીવટી ક્ષતિઓ નો દોષ સીધેસીધો પ્રમુખને માથે ઢોળવામાં આવે તે ઠીક નથી. જેતે કાર્યકાળ માટે ચૂંટાયેલ મધ્યસ્થ સમિતિ અને સવિશેષ તો કાર્યવાહક સમિતિ અને તેના મંત્રીઓ આ માટે સૌ પહેલા જવાબદાર છે.
સરવાળે, પરિષદ સભ્યોને નિવેદન કે એવા પ્રમુખ ચૂંટજો જેની પાસે પોતાના વિઝનને ભોંય પર ચરિતાર્થ કરવા સારું અનુકૂળ મધ્યસ્થ સમિતિ હોય, અને એવી મધ્યસ્થ સમિતિ ચૂંટજો જે પ્રમુખના વિઝનને કાર્યાન્વિત કરવા પ્રતિબદ્ધ હોય.
PLEASE SHARE