કવિ ને પ્રશ્ન
ખરી કે ખોટી,
તાકાત નો જ ક્યાં ખપ હોય છે કવિને?
કવિનું તો હોડી જેવું નહીં ?
એને દૂર શું, નજીક શું?
ને વાત ક્યાં દૂરનું જોવાની છે?
નાક નીચે જે થઇ રહ્યું છે
તે તો બંધ આંખે પણ સૂંઘી જ શકાય છે ને?
મઝાનો ખેલ જામ્યો છે, નહીં કવિ?
એકને દૂરનું દેખાય નહીં
અને બીજો આંખ આડા કાન કરે.
ને સોયના નાકામાંથી
ઊંટોની વણઝાર નીસરે.
બહુ થયું હવે.
અંધારા ઓરડામાં બેસીને
ક્યાં સુધી જાત સાથે લડાઈ લડતા રહેશો કવિ ?
બંધ બારણે સૂરજની વાતો કરવાનું રહેવા દઈએ હવે.
ચાલો, ઉઘાડીએ હવે બારી.
આપણે બહાર નીકળીએ,
અને, પ્રકાશને અંદર પ્રવેશવા દઈએ.
No comments:
Post a Comment