મહામંત્રીપદનો કોયડો
પરિષદના વહીવટમાં મહામંત્રીનું પદ એ મધ્યસ્થ સમિતિ અને કારોબારી સમિતિ વચ્ચેની કડીરૂપ છે.
મધ્યસ્થ સમિતિના એક પ્રતિનિધિ તરીકે મહામંત્રી ચૂંટવાનો આપણો અધિકાર જવાબદારીભર્યો છે.
સામાન્ય સભ્યોએ ચૂંટેલી મધ્યસ્થ સમિતિ અને મધ્યસ્થ સમિતિના સભ્યો વડે ચૂંટાયેલી કારોબારી સમિતિ સામાન્ય સભ્યોએ ચૂંટેલા પરિષદપ્રમુખની રાહબરી હેઠળ પરિષદનું સંચાલન કરે તેવી વ્યવસ્થા બંધારણમાં છે. આ સંજોગોમાં, પરિષદના મહામંત્રી તેમના વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા અને વિકેન્દ્રીય કાર્યપદ્ધતિ અપનાવે તે લોકશાહીને વરેલી જાહેર સંસ્થાનો પાયાનો આદર્શ ગણાય.
ત્રીજા વધુ યોગ્ય ઉમેદવારને અભાવે, મહામંત્રીપદ માટેનું મતદાન આપણે સૌને માટે કોયડારૂપ છે.
ત્યારે, જુના મહામંત્રીના કેન્દ્રગામી અને અપારદર્શક વહીવટને દોહરાવવાને બદલે હું નવા મહામંત્રીના સાહિત્યિક મૂલ્યો અને વૈચારિક ખુલ્લાપણાને આવકારીશ.
કોયડો ભલે ન સુલઝે, તવા પરનો રોટલો બળી જતો બચાવીશ. કાચોપાકો તોય, સાજોસમો, આખેઆખો રોટલો પરિષદને વધુ ત્રણ વર્ષ માટે ટકી રહેવાનું સામર્થ્ય તો આપશે!!
અન્યથા, પહેલા તરત કોલસો, ને પછી કેવળ રાખ...
ઇતિ મત-વિચાર
પરેશ નાયક
No comments:
Post a Comment