Wednesday, 16 September 2020

પરિષદપ્રમુખની ચૂંટણીનો ત્રિકોણ 


'સાહિત્યના ઇતિહાસમાં એવો અનુભવ થાય છે કે કોઈ પણ સાહિત્યમાં સામાજિક સભાનતા સદાયને માટે કે દીર્ઘ સમય માટે પણ ગેરહાજર નથી રહેતી. ન રહી શકે.'  - નિરંજન ભગત 

[સ્વાધ્યાયલોક -1 પૃષ્ઠ 194] 


પ્રબુદ્ધ  વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાલા અને પ્રસિધ્ધ કવિ સિતાંશુ યશશ્ચન્દ્રના અનુગામી પરિષદપ્રમુખ તરીકે નિરીક્ષક-તંત્રી અને ગુજરાતના પીઢ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહ, કે પછી કવિ અને 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક અથવા કવિ અને 'શબ્દસૃષ્ટિ'ના ભૂતપૂર્વ તંત્રી હર્ષદ ત્રિવેદી ચૂંટાશે. મતલબ કે ત્રિપાંખિયો જંગ ખેલાશે.

 

યુવા ગુજરાત સાતમા નોરતાની રાત્રીએ વર્ચ્યુઅલ ગરબા રમવા થનગની રહ્યું હશે ત્યારે આગામી ત્રણ વર્ષ માટેના નવા પરિષદપ્રમુખના નામની અધિકૃત જાહેરાત થઇ ચુકી હશે. અને, દશેરા પહેલા મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા ચાલીસ સભ્યોના નામોની પણ જાહેરાત થઇ જશે. 


ગુજરાતમાં જાહેર સંસ્થાઓના સંચાલન અને નેતૃત્વનું ચિત્ર કેટલું નિરાશાજનક છે તે આપણે જાણીએ છીએ. ખાસ તો, માનવમૂલ્યો તેમજ  સાહિત્ય અને કલાનાં મૂળભૂત મૂલ્યોના સંરક્ષણ વિષે આ સંસ્થાઓમાં કેવું પ્રતિકૂળ વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે તેથી પણ આપણે વાકેફ છીએ. 

આવા મૂલ્યવિનાશી આક્રમક પવનો વચ્ચે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી એક નાની પણ સ્વાયત્ત સંસ્થા બચે કે ન બચે તેથી કયો મોટો ફેર પડી જવાનો છે, એવો ફિલસૂફ-અંદાજ ધરીને પોતાના બૌદ્ધિક સ્વાંગને સિનિકલ ભગવા પહેરાવી આખા ચિત્રમાંથી અલગ સરકી જનારા ઘણાં છે.  

પરંતુ, ક્યારેક એક નાનકડી શરૂઆત દૂરગામી ક્રાંતિની ચિનગારી બની રહેતી હોય છે. તો, પ્રારંભ પરત્વેનો પ્રમાદ પૂર્વે થયેલાં કામો ઉપર પાણી ફેરવી વાળતો હોય છે. માટે, પરિષદની વર્તમાન ચૂંટણીને, સિનિકો અને સુજ્ઞો બેઉએ હળવાશથી લેવાની જરૂર નથી. 

ખેર, પરિષદના બંધારણ અનુસાર, પરિષદપ્રમુખનું પદ ભલે સર્વોપરી ગણી શકાય, પરંતુ, સમગ્રપણે પરિષદના સંચાલન અને નીતિ વિષયક નિર્ણયો લેનારું કેન્દ્રીય ઘટક તો મધ્યસ્થ સમિતિ છે. પરિણામે,  મધ્યસ્થ સમિતિના ચુંટાયેલા ચાલીસ સભ્યો -જેમની પાસે મતાધિકાર હશે- તેમનાં  અધિકાર અને જવાબદારી સવિશેષ હશે.

આશા રાખીએ કે પરિષદપ્રમુખની  અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં પરિષદના મતદાતા-સભ્યો વધુ ને વધુ સંખ્યામાં જોડાય અને  લોકશાહી તેમજ લેખકોની સ્વાયત્તતા ઉપર તોળાઈ રહેલા સંકટસમયે ગાંધી-ગોવર્ધનરામ, ઉમાશંર-સુન્દરમ, અને રાજેન્દ્ર-નિરંજનની સૈકા જૂની સંસ્થાને નવું બળ આપે. 

તમામ ઉમેદવારો તથા તેમના ટેકેદારોને અપીલ કરીએ કે જ્ઞાતિજાતિ  કે વિચારધારાની મર્યાદાઓને વળોટી, સાહિત્યમાં સમાયેલા કલાના સામાજિક અને સૌંદર્યપરક મૂલ્યો વિશેની પ્રતિબદ્ધતા ઉજાગર કરી પરિષદને વ્યાપક અર્થમાં સમાવેશી અને પ્રગતિશીલ બનાવી શકે તેવા ઉમેદવારોને ચૂંટી કાઢવાની પહેલ કરે. એ જ રીતે, ચૂંટણી અધિકારીશ્રીને અરજ કરીએ કે મતદાનથી લઈને મતગણતરી સુધીની સાદ્યંત ચૂંટણીપ્રક્રિયા FREE & FARE  હોય તે માટે સતત કાળજી અને તકેદારી રાખે. 

PLEASE SHARE FREELY. 


No comments:

Post a Comment