Sunday, 23 August 2020

GUJARATI SAHITYA PARISHAD ELECTIONS 2020

  

ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીની ચહલપહલ

મોડીમોડી તોય, આખરે પરિષદે ચૂંટણી અધિકારીની નિમણૂંક તો કરી! ધન્યવાદ! 

આ સાથે, ચૂંટણીની હવે પછીની પ્રક્રિયા ચૂંટણીઅધિકારીની સીધી દેખરેખ હેઠળ થશે. વર્તમાન કારોબારીસમિતિના હોદ્દેદારોની જવાબદારી ચૂંટણી અધિકારીને વહીવટી સહાય કરવાની, અને જરૂર જણાય ત્યાં ચૂંટણીપ્રક્રિયા સરળ અને પારદર્શક બની રહે તે માટે મતદારો તથા ઉમેદવારો સુધી તમામ આવશ્યક માહિતી સમયસર પહોંચે તે જોવાની, તેમજ વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે દિશામાં પરિષદકાર્યાલયને કાર્યરત બનાવવાની રહેશે. 

ખાસ તો, કોરોનાની પરીસ્થિતિને અનુલક્ષીને, ઉમેદવારો સુધી ઉમેદવારીપત્રકો તથા મતદારો સુધી મતપત્રકો કશાય અવરોધ વિના કે બિનજરુરી બ્યુરોક્રેટિક અરજી-ખુલાસા વિના પહોંચે તે રીતે પરિષદકાર્યાલયને સજ્જ  કરવાનું પણ રહેશે.

પ્રમુખપદના છેવટના દાવેદારો કોણકોણ હશે તેની મતદારોને જાણ તો બેલેટપેપર હાથમાં આવ્યે જ થશે. સિવાય કે, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ - સોળમી સપ્ટેમ્બર - બાદ પરિષદ કાર્યાલય નિયમિત પ્રેસરીલીઝ પાઠવીને ચૂંટણી પ્રક્રિયાને લગતી રોજેરોજની માહિતી જાહેર કરી વધુ પારદર્શક બનવાનું સ્વીકારે. 

દરમ્યાન, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન. શાહ, 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક અને 'શબ્દશ્રુષ્ટિ'ના ભૂતપૂર્વ તંત્રી હર્ષદ ત્રિવેદી વચ્ચે ત્રિપાંખી ચૂંટણી થાય તેવી સંભાવના છે. 

પ્રમુખપદની ચૂંટણીની સમાંતર મધ્યસ્થ સમિતિના ચાલીસ ઉમેદવારોની ચૂંટણીની પ્રક્રિયા પણ સત્તરમી ઓગસ્ટથી શરુ થઇ ચુકી છે. પ્રમુખપદ માટેના કથિત દાવેદારો અને ગુજરાતી સાહિત્ય અને/અથવા પરિષદ, અને/અથવા અકાદમી સાથે, સીધી તેમજ આડકતરી રીતે સંકળાયેલા સાહિત્યકારો તેમજ સાહિત્યની વિવિધ વિચારધારાઓના સમર્થકો પોતપોતાની પસંદગીના લેખકોને મધ્યસ્થ સમિતિની  ચૂંટણીમાં ભાગ લેવા પ્રેરી-ઉશ્કેરી રહ્યાના વરતારા પણ મળતા રહે છે.

આશા રાખીએ કે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, વધુ સરળ તથા પુરેપુરી સ્પષ્ટ હોય, એમાં કોઈ પણ બાબતે કશી સંદિગ્ધતા ન રહે. 

ઉમેદવારો તેમજ તેમના પ્રતિનિધિઓ પણ ગુજરાતની આ સૈકા ઉપરાંત જૂની, લોકશાહી મૂલ્યોને વરેલી, ગુજરાતી સાહિત્યની સૌથી વરિષ્ઠ સંસ્થાનાં  ગૌરવ અને ગરિમા જળવાઈ રહે તે રીતે ચૂંટણીપ્રચારમાં વધુ ને વધુ ઉત્સાહપૂર્વક જોડાશે તેવી અભિલાષા.

સૌ ઉમેદવારો તેમજ સૌ મતદારોને હાર્દિક શુભેચ્છાઓ.

PLEASE SHARE, PLEASE COMMENT. STAY SAFE.
 

No comments:

Post a Comment