સ્વાયત્તતા એ સત્તા નથી. એમાં સ્વેચ્છાએ ઉપાડેલી જવાબદારી સમાયેલી છે. લેખકો અને કલાકારો આ જવાબદારી સ્વીકારીને સ્વાયત્તતાનો આગ્રહ રાખે છે. એ સ્વાયત્તતાની ભીખ માંગતા નથી, પણ, સત્તાના બળે એમની સર્જકતા ઉપર જે તરાપ મારે છે તેમને, એ પોતે સ્વાયત્ત છે એ વાત ગાજી-ગરજીને યાદ અપાવે છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખની નિમણૂંક કરવામાં સરકારને આટલો બધો રસ કેમ છે? કવિઓ-લેખકોને પોતાને વશવર્તી રાખવાની ખેવના એ કેમ રાખે છે? અકાદમીના સભ્યો પોતાના પ્રમુખને લોકશાહીની પરંપરા મુજબ બેલેટ વડે મતદાન કરીને ચૂંટી કાઢે એનો એમને વિરોધ શા માટે છે? રાજ્ય સરકાર અકાદમીનો ખર્ચ ઉઠાવે છે તેથી અકાદમીના પ્રમુખ નીમવાનો અધિકાર પણ એને હોવો જોઈએ એ કેવી બેતૂકી દલીલ છે!
પાંચ-પચીસ મહત્વના સાહિત્યકારોની યાદીમાંથી રાજ્ય સરકાર કયા આધારે એ નક્કી કરશે કે અકાદમીના પ્રમુખ વિષ્ણુ પંડ્યાને બનાવવા જોઈએ કે ધીરુબેન પટેલને કે ચંદ્રકાન્ત શેઠને કે શિરીષ પંચાલને ? એ નક્કી કરવા માટે એમની પાસે એવી તે કઈ યોગ્યતા છે જે વાચકો, લેખકો, કવિઓ, વિવેચકો, વગેરે અકાદેમીના સભ્યોના બહુમતી મતદાનથી વિશેષ અધિકૃત હોય?
પણ ના, ગુજરાત સરકાર તો જીદે ચઢી છે કે તમારા પ્રમુખ તો અમે જ નીમીએ. એટલે, એ પ્રમુખ અમારી દેખરેખ હેઠળ ગુજરાતી સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ કરે. ગુજરાતી સાહિત્ય કેવું હોવું જોઈએ , ગુજરાતી લેખકે શું લખવું જોઈએ ને શું ના લખવું જોઈએ એ અમેજ નક્કી કરીએ. આ ઠીક નથી.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી આ કારણે પણ મહત્વની છે.
પરિષદના સૌ સભ્યોએ આ બાબતે જાગૃત રહેવાની જરૂર છે.
પોતાનો મત આપતી વખતે એમણે એ યાદ રાખવું જોઈશે કે પ્રમુખપદનો સાચો દાવેદાર સત્તાનો નહિ સ્વાયત્તતાનો આગ્રહી હશે. ગુજરાતી સાહિત્ય અકાદમીની છીનવાયેલી સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા વિષે એ અવઢવમાં નહીં હોય, બલ્કે, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી 'દર્શક', નિરંજન ભગત, નારાયણ દેસાઈ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર જેવા મોટા ગજાના ગુજરાતી સાહિત્યકારોએ ઉપાડેલા આ સ્વાયત્તતા આંદોલનને એના લક્ષ્ય સુધી પહોંચાડવા વિષે એ પ્રતિબધ્ધ અને કટિબધ્ધ હશે.
PLEASE SHARE, PLEASE COMMENT # STAY SAFE, TAKE CARE.
No comments:
Post a Comment