Tuesday, 28 July 2020

'સત્તા' નહીં, 'સ્વાયત્તતા'


GUJARATI SAHITYA PARISHAD 

PRESIDENT'S ELECTION (2021-2023) 

BLOG 03 

સત્તા નહીં , સ્વાયત્તતા 


સ્વાયત્તતાસત્તા નથી. એમાં સ્વેચ્છાએ ઉપાડેલી જવાબદારી સમાયેલી છે. લેખકો અને કલાકારો આ જવાબદારી સ્વીકારીને સ્વાયત્તતાનો આગ્રહ રાખે છે. એ સ્વાયત્તતાની ભીખ માંગતા નથી, પણ, સત્તાના બળે  એમની  સર્જકતા ઉપર જે તરાપ મારે છે તેમને, એ પોતે સ્વાયત્ત છે એ વાત ગાજી-ગરજીને યાદ અપાવે છે. 


ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખની નિમણૂંક કરવામાં સરકારને આટલો બધો રસ કેમ છે? કવિઓ-લેખકોને પોતાને વશવર્તી રાખવાની ખેવના એ કેમ રાખે છે? અકાદમીના સભ્યો પોતાના પ્રમુખને લોકશાહીની પરંપરા  મુજબ  બેલેટ વડે મતદાન કરીને ચૂંટી કાઢે  એનો એમને વિરોધ શા માટે છે? રાજ્ય સરકાર  અકાદમીનો ખર્ચ ઉઠાવે છે તેથી અકાદમીના પ્રમુખ નીમવાનો અધિકાર પણ એને હોવો જોઈએ એ કેવી બેતૂકી દલીલ છે!


પાંચ-પચીસ મહત્વના સાહિત્યકારોની યાદીમાંથી રાજ્ય સરકાર કયા આધારે એ નક્કી કરશે કે અકાદમીના પ્રમુખ  વિષ્ણુ પંડ્યાને બનાવવા જોઈએ કે ધીરુબેન પટેલને કે ચંદ્રકાન્ત શેઠને કે શિરીષ પંચાલને ? એ નક્કી કરવા માટે એમની પાસે એવી તે કઈ યોગ્યતા છે જે વાચકો, લેખકો, કવિઓ, વિવેચકો, વગેરે અકાદેમીના સભ્યોના બહુમતી મતદાનથી વિશેષ અધિકૃત હોય?


પણ ના, ગુજરાત સરકાર તો જીદે ચઢી છે કે તમારા પ્રમુખ તો અમે જ નીમીએ. એટલે, એ પ્રમુખ અમારી દેખરેખ હેઠળ ગુજરાતી સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ કરે. ગુજરાતી સાહિત્ય કેવું હોવું જોઈએ , ગુજરાતી લેખકે શું લખવું જોઈએ ને શું ના લખવું જોઈએ એ અમેજ નક્કી કરીએ. આ ઠીક નથી.


ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી આ કારણે પણ મહત્વની છે. 

પરિષદના સૌ સભ્યોએ આ બાબતે જાગૃત રહેવાની જરૂર છે.

 

પોતાનો મત આપતી વખતે એમણે એ યાદ રાખવું જોઈશે કે પ્રમુખપદનો સાચો દાવેદાર સત્તાનો નહિ સ્વાયત્તતાનો આગ્રહી હશે. ગુજરાતી સાહિત્ય અકાદમીની છીનવાયેલી સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા વિષે એ અવઢવમાં નહીં  હોય, બલ્કે, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોલી 'દર્શક', નિરંજન ભગત, નારાયણ દેસાઈ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર  જેવા મોટા ગજાના ગુજરાતી સાહિત્યકારોએ ઉપાડેલા આ સ્વાયત્તતા આંદોલનને એના લક્ષ્ય સુધી પહોંચાડવા વિષે એ પ્રતિબધ્ધ  અને કટિબધ્ધ હશે.


PLEASE SHARE, PLEASE COMMENT  #  STAY SAFE, TAKE CARE.

Friday, 10 July 2020

Gujarati Sahitya Parishad Elections 2020 BLOG 02


GUJARATI SAHITYA PARISHAD

PRESIDENT'S ELECTION (2021-2023)

પરિષદના નવા પ્રમુખ કોણ હશે?


ચિત્રમાં પરિષદના બે પૂર્વ પ્રમુખો - ગુજરાતી સાહિત્યના દિગ્ગજ સર્જકો ઉમાશંકર જોશી અને સુન્દરમ નજરે પડે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું  જૂનાગઢ ખાતે મળેલું પચીસમું સંમેલન. 1969. ઉમાશંકર વિદાય લેતા પ્રમુખ તરીકે અને સુન્દરમ નવા વરાયેલા પ્રમુખ તરીકે ઉપસ્થિત છે. 

આજે અર્ધી સદીના અંતરે આપણે ફરી એક વાર પરિષદ પ્રમુખની ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. હજી પ્રમુખપદના દાવેદારો ની જાહેરાત થઇ નથી. પરંતુ સોશ્યલ મીડિયા ઉપર તેમજ અંતરંગ વર્તુળોમાં સંભવિત ઉમેદવારોના નામો વિષે ચર્ચા ચાલી રહી છે. 


સામાન્ય રીતે, પરિષદના કુલ સભ્યો પૈકી માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા સભ્યો જ મતદાન કરે છે. આ એક ગંભીર ક્ષતિ છે. માત્ર ત્રીજા ભાગના સભ્યો આમ આખી પરિષદનું ભાવિ નક્કી કરે એ આપણી મોટી મર્યાદા લેખાય.


પરિષદની ટીકા કરવા માટે આપણે રાતદિવસ તૈયાર હોઈએ છીએ - એમ હોવું પણ જોઈએ. તો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો એ પણ એટલું જ મહત્વનું છે. 

પરિષદના ચૂંટણી અધિકારીને પણ આપણે વિનંતી કરીએ કે પરિષદના તમામ પ્રસાર માધ્યમો થકી પરિષદના સભ્યોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિષે તેઓ સતત જાગૃત કરતા રહે.

આખરે પ્રમુખપદની ચૂંટણી, વિચારપત્ર 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન શાહ અને 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક વચ્ચે થશે  કે ત્રિકોણ કે ચતુષ્કોણ આકારે બેથી વધુ ઉમેદવારો વચ્ચે થશે એ સપ્ટેમ્બરમાં સ્પષ્ટ થશે. પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રમુખપદની ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે: 

'ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની પુનઃસ્થાપના'.


ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગાંધીનગરની સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા (Autonomy)ની પુનઃસ્થાપના માટેની પરિષદની માંગણી હાલ આંદોલનરૂપે રાજ્યભરમાં પડઘાઈ રહી છે. પ્રમુખપદના તમામ દાવેદારોએ અકાદમીની સ્વાયત્તતા વિશે પોતાનો સ્પષ્ટ મત અચૂક જાહેર કરવો જોઈશે. 

PLEASE SHARE, PLEASE COMMENT  #  STAY SAFE, TAKE CARE

Wednesday, 17 June 2020

Gujarati Sahitya Parishad Elections 2020 BLOG 01


GUJARATI SAHITYA PARISHAD

PRESIDENT'S ELECTION (2021-2023)


આગામી ત્રણ વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. 
પરિષદ કરતાં ગુજરાત સાહિત્ય અકાદમી સાથે સંકળાયેલા વર્તુળોમાં એ માટે સવિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહમાં ઉતાવળ પણ ભળેલી છે તે ય દેખાય છે.
આ પરથી બે બાબત સ્પષ્ટ થાય છે - 
પહેલી એ કે આગાઉના બે પરિષદ પ્રમુખોની પેઠે નવા પરિષદ પ્રમુખે પણ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની પરિષદની લડતનું નેતૃત્વ લઇ અકાદમીની સ્વાયત્તતા પુનઃસ્થાપિત થાય તે માટે નક્કર પ્રયાસો આદરવા જોઈશે. 
બીજું, કે ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્રના કુલ પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન, નારાયણ દેસાઈના પ્રમુખપદે આરંભાયેલી અકાદમીની સ્વાયત્તતા પુનઃસ્થાપિત કરવા વિશેની પરિષદની પ્રતિબદ્ધતા અખંડ રહી છે, જેને પરિણામે, નાનાંમોટાં ને નવાંજૂનાં સૌ સાહિત્યકારો તેમજ સાહિત્યરસિકો સ્વાયત્તતાના મુદ્દે આજે પરિષદને પડખે છે. મણિલાલ હ. પટેલ સિવાય બીજા કેટલા નામાંકિત સાહિત્યકારો આ બાબતે  આજે અકાદમી સાથે છે?  
વળી, પેલી એક કરુણ સાંજે કવિ નિરંજન ભગતના અંતિમ શ્વાસમાં સ્વાયત્તતાની માંગના મક્કમ પડઘા મધ્યસ્થ સમિતિના જે સભ્યોએ સાંભળ્યા છે તે સૌ, અને સદ્દગત કવિના અન્ય તમામ ચાહકો કવિનાં શ્વાસની આમન્યા તોડશે નહિ કે તૂટવા દેશે નહિ તેની પણ મને ખાતરી છે.
આ પરિસ્થિતિમાં, કેટલાક લેખકો - જે દૂધમાં અને દહીંમાં બેયમાં પગ રાખવાવાળા છે - તેઓ પોતાને અનુકૂળ પરિષદપ્રમુખ ચૂંટી, સ્વાયત્તતા આંદોલનને મોળું પાડી, અકાદમીનો સીધો પગપેસારો પરિષદમાં કરાવવાની નેમ સેવી રહ્યા છે. 
ત્યારે, સ્વાયત્તતા તરફી પરિષદના મોટાભાગના સામાન્ય સભ્યો, આમ ઉતાવળે સૂચવાઇ રહેલા પ્રમુખપદ માટેનાં કેટલાક હરખઘેલાં નામોની કુંડળી તપાસતા મૌન સેવી રહ્યા છે. 
આખરે તો, પરિષદના નવા પ્રમુખ નક્કી કરવાનાં સત્તા અને સામર્થ્ય તેમની જ પાસે છે. અંધકાર અને પ્રકાશ એ બે વચ્ચે વરણી કરવાનું કામ એમના માટે સ્હેજેય અઘરું નથી.

PLEASE SHARE, PLEASE COMMENT



Thursday, 27 February 2020

SAHITYA & PARISHAD & AKADEMI : BLOG 02



સ્વાયત્તતા સંમેલન 
ગુજરાતી સાહિત્ય પરિષદ 
પહેલી માર્ચ , રવિવાર ,બપોરે બે વાગ્યે 



આથી  હશે અન્ય ન કોઈ રસ્તો ?
જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો ,
ને પથ્થરો થી વધુ હોય પોચો?

જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો ,
અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો ;
ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી, 
ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી?

વિચારની  જ્યાં નવ હોય શૂન્યતા,
ને ન્યાય ની ન્હોય જરીય ન્યૂનતા? 

બિરાદરી  ખેલદિલી સમાજે 
ખીલાવવી હોય સદાય કાજે ,
મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં 
અનિષ્ટ કૈ; યુગોથી પેઠાં,
દેવા સદાની સહુને શિકસ્તો 
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો !


- નિરંજન ભગત 

'નિવેદન , ઓગષ્ટ  1956' કાવ્યમાંથી  સાભાર 


Thursday, 13 February 2020

SAHITYA & PARISHAD & AKADEMI : BLOG 01


કવિ ને  પ્રશ્ન 

ખરી કે ખોટી, 
તાકાત નો જ ક્યાં ખપ હોય છે કવિને?
કવિનું તો હોડી જેવું નહીં ?
એને દૂર શું, નજીક શું?

ને વાત ક્યાં દૂરનું જોવાની છે?
નાક નીચે જે થઇ રહ્યું છે 
તે તો બંધ આંખે પણ સૂંઘી જ શકાય છે ને?

મઝાનો ખેલ જામ્યો છે, નહીં કવિ?
એકને દૂરનું દેખાય નહીં 
અને બીજો આંખ આડા કાન કરે.
ને સોયના નાકામાંથી 
ઊંટોની વણઝાર નીસરે.

બહુ થયું હવે. 
અંધારા ઓરડામાં બેસીને  
ક્યાં સુધી જાત સાથે લડાઈ લડતા રહેશો કવિ ?

બંધ બારણે સૂરજની વાતો કરવાનું રહેવા દઈએ હવે. 
ચાલો, ઉઘાડીએ હવે બારી.
આપણે બહાર નીકળીએ,
અને, પ્રકાશને અંદર પ્રવેશવા દઈએ.


-પરેશ નાયક







Monday, 20 November 2017

PARISHAD ELECTIONS - BLOG 09

મહામંત્રીપદનો કોયડો

પરિષદના વહીવટમાં મહામંત્રીનું પદ એ મધ્યસ્થ સમિતિ અને કારોબારી સમિતિ વચ્ચેની કડીરૂપ છે. 
મધ્યસ્થ સમિતિના એક પ્રતિનિધિ તરીકે મહામંત્રી ચૂંટવાનો આપણો અધિકાર જવાબદારીભર્યો છે. 

સામાન્ય સભ્યોએ ચૂંટેલી મધ્યસ્થ સમિતિ અને મધ્યસ્થ સમિતિના સભ્યો વડે ચૂંટાયેલી કારોબારી સમિતિ સામાન્ય સભ્યોએ ચૂંટેલા પરિષદપ્રમુખની રાહબરી હેઠળ પરિષદનું સંચાલન કરે તેવી વ્યવસ્થા બંધારણમાં છે. આ સંજોગોમાં, પરિષદના મહામંત્રી તેમના વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા અને વિકેન્દ્રીય કાર્યપદ્ધતિ અપનાવે તે લોકશાહીને વરેલી જાહેર સંસ્થાનો પાયાનો આદર્શ ગણાય. 

ત્રીજા વધુ યોગ્ય ઉમેદવારને અભાવે, મહામંત્રીપદ માટેનું મતદાન આપણે સૌને માટે કોયડારૂપ છે. 
ત્યારે, જુના મહામંત્રીના કેન્દ્રગામી અને અપારદર્શક વહીવટને દોહરાવવાને બદલે હું નવા મહામંત્રીના સાહિત્યિક મૂલ્યો અને વૈચારિક ખુલ્લાપણાને આવકારીશ. 
કોયડો ભલે ન સુલઝે, તવા પરનો રોટલો બળી જતો બચાવીશ. કાચોપાકો તોય, સાજોસમો, આખેઆખો રોટલો પરિષદને વધુ ત્રણ વર્ષ માટે ટકી રહેવાનું સામર્થ્ય તો આપશે!! 

અન્યથા, પહેલા તરત કોલસો, ને પછી કેવળ રાખ...

ઇતિ મત-વિચાર 

પરેશ નાયક 


Saturday, 18 November 2017

PARISHAD ELECTIONS - BLOG - 08

પરિષદની કાર્યવાહક સમિતિની ચૂંટણી 

વર્ષ 2018-2020 માટેની ગુજરાતી સાહિત્ય પરિષદની, પ્રમુખપદની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીઓ પછી અત્યારે ચાલી રહેલી કાર્યવાહક સમિતિની ચૂંટણી સવિશેષ નાટ્યાત્મક બની રહી છે. એમાં જેટલાં તત્વો કોમેડીનાં છે એટલાં જ ટ્રેજેડીનાં, ને સૌથી વધારે તો ટ્રેજીકોમેડીનાં  છે. રાજ્યની અને દેશની મુખ્ય ધારાઓની ચૂંટણીઓની તમામ વિરૂપતાઓ એમાં દેખાઈ રહી છે. 

મધ્યસ્થ સમિતિના તમામ સભ્યોને ટેલિફોન કરીને તાબડતોબ મતપત્રો પરત મોકલી આપવાની જે તાકીદ પરિષદના કેટલાક 'જ્વાબદાર' સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે તે અનૈતિક જ નહિ, ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતાને ખંડિત કરનારી પણ છે. 

મતપત્રો મોકલવાની છેલ્લી તારીખને હજી ખાસ્સી વાર છે ત્યારે આ પ્રકારની તાકીદ અમુક જૂથની તરકીબોને અનુકૂળ મતદાન કરાવનાર નીવડી શકે છે. મઘ્યસ્થ સમિતિના સૌ સભ્યો આ કે પેલા જૂથની દરકાર કર્યા વિના પોતપોતાની મુનસફી મુજબ સ્વસ્થ ચિત્તે મતના મૂલ્ય અને મહત્તાને સમજીને મતદાન કરશે એવી સામાન્ય સભ્યોને આશા-અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. મતપત્રકો પરત કરવામાં મોડું ન થાય તેની કાળજી જેમ જરૂરી છે તેમ ઉતાવળે અપાયેલો આપણો મત એનાં મૂલ્ય ને મહત્તા બેય ગુમાવે નહિ તેની દરકાર પણ જરૂરી છે.

ઇતિ ચેત-વાણી
પરેશ નાયક 
અઢાર અગિયાર બે હાજર સત્તર - અમદાવાદ