Thursday, 13 February 2020

SAHITYA & PARISHAD & AKADEMI : BLOG 01


કવિ ને  પ્રશ્ન 

ખરી કે ખોટી, 
તાકાત નો જ ક્યાં ખપ હોય છે કવિને?
કવિનું તો હોડી જેવું નહીં ?
એને દૂર શું, નજીક શું?

ને વાત ક્યાં દૂરનું જોવાની છે?
નાક નીચે જે થઇ રહ્યું છે 
તે તો બંધ આંખે પણ સૂંઘી જ શકાય છે ને?

મઝાનો ખેલ જામ્યો છે, નહીં કવિ?
એકને દૂરનું દેખાય નહીં 
અને બીજો આંખ આડા કાન કરે.
ને સોયના નાકામાંથી 
ઊંટોની વણઝાર નીસરે.

બહુ થયું હવે. 
અંધારા ઓરડામાં બેસીને  
ક્યાં સુધી જાત સાથે લડાઈ લડતા રહેશો કવિ ?

બંધ બારણે સૂરજની વાતો કરવાનું રહેવા દઈએ હવે. 
ચાલો, ઉઘાડીએ હવે બારી.
આપણે બહાર નીકળીએ,
અને, પ્રકાશને અંદર પ્રવેશવા દઈએ.


-પરેશ નાયક







Monday, 20 November 2017

PARISHAD ELECTIONS - BLOG 09

મહામંત્રીપદનો કોયડો

પરિષદના વહીવટમાં મહામંત્રીનું પદ એ મધ્યસ્થ સમિતિ અને કારોબારી સમિતિ વચ્ચેની કડીરૂપ છે. 
મધ્યસ્થ સમિતિના એક પ્રતિનિધિ તરીકે મહામંત્રી ચૂંટવાનો આપણો અધિકાર જવાબદારીભર્યો છે. 

સામાન્ય સભ્યોએ ચૂંટેલી મધ્યસ્થ સમિતિ અને મધ્યસ્થ સમિતિના સભ્યો વડે ચૂંટાયેલી કારોબારી સમિતિ સામાન્ય સભ્યોએ ચૂંટેલા પરિષદપ્રમુખની રાહબરી હેઠળ પરિષદનું સંચાલન કરે તેવી વ્યવસ્થા બંધારણમાં છે. આ સંજોગોમાં, પરિષદના મહામંત્રી તેમના વહીવટમાં સંપૂર્ણ પારદર્શકતા અને વિકેન્દ્રીય કાર્યપદ્ધતિ અપનાવે તે લોકશાહીને વરેલી જાહેર સંસ્થાનો પાયાનો આદર્શ ગણાય. 

ત્રીજા વધુ યોગ્ય ઉમેદવારને અભાવે, મહામંત્રીપદ માટેનું મતદાન આપણે સૌને માટે કોયડારૂપ છે. 
ત્યારે, જુના મહામંત્રીના કેન્દ્રગામી અને અપારદર્શક વહીવટને દોહરાવવાને બદલે હું નવા મહામંત્રીના સાહિત્યિક મૂલ્યો અને વૈચારિક ખુલ્લાપણાને આવકારીશ. 
કોયડો ભલે ન સુલઝે, તવા પરનો રોટલો બળી જતો બચાવીશ. કાચોપાકો તોય, સાજોસમો, આખેઆખો રોટલો પરિષદને વધુ ત્રણ વર્ષ માટે ટકી રહેવાનું સામર્થ્ય તો આપશે!! 

અન્યથા, પહેલા તરત કોલસો, ને પછી કેવળ રાખ...

ઇતિ મત-વિચાર 

પરેશ નાયક 


Saturday, 18 November 2017

PARISHAD ELECTIONS - BLOG - 08

પરિષદની કાર્યવાહક સમિતિની ચૂંટણી 

વર્ષ 2018-2020 માટેની ગુજરાતી સાહિત્ય પરિષદની, પ્રમુખપદની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીઓ પછી અત્યારે ચાલી રહેલી કાર્યવાહક સમિતિની ચૂંટણી સવિશેષ નાટ્યાત્મક બની રહી છે. એમાં જેટલાં તત્વો કોમેડીનાં છે એટલાં જ ટ્રેજેડીનાં, ને સૌથી વધારે તો ટ્રેજીકોમેડીનાં  છે. રાજ્યની અને દેશની મુખ્ય ધારાઓની ચૂંટણીઓની તમામ વિરૂપતાઓ એમાં દેખાઈ રહી છે. 

મધ્યસ્થ સમિતિના તમામ સભ્યોને ટેલિફોન કરીને તાબડતોબ મતપત્રો પરત મોકલી આપવાની જે તાકીદ પરિષદના કેટલાક 'જ્વાબદાર' સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે તે અનૈતિક જ નહિ, ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતાને ખંડિત કરનારી પણ છે. 

મતપત્રો મોકલવાની છેલ્લી તારીખને હજી ખાસ્સી વાર છે ત્યારે આ પ્રકારની તાકીદ અમુક જૂથની તરકીબોને અનુકૂળ મતદાન કરાવનાર નીવડી શકે છે. મઘ્યસ્થ સમિતિના સૌ સભ્યો આ કે પેલા જૂથની દરકાર કર્યા વિના પોતપોતાની મુનસફી મુજબ સ્વસ્થ ચિત્તે મતના મૂલ્ય અને મહત્તાને સમજીને મતદાન કરશે એવી સામાન્ય સભ્યોને આશા-અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. મતપત્રકો પરત કરવામાં મોડું ન થાય તેની કાળજી જેમ જરૂરી છે તેમ ઉતાવળે અપાયેલો આપણો મત એનાં મૂલ્ય ને મહત્તા બેય ગુમાવે નહિ તેની દરકાર પણ જરૂરી છે.

ઇતિ ચેત-વાણી
પરેશ નાયક 
અઢાર અગિયાર બે હાજર સત્તર - અમદાવાદ


Sunday, 15 October 2017

PARISHAD ELECTIONS - BLOG 07

ગુજરાતી સાહિત્યના બે સમર્થ વિદ્વાનો  - ડૉ ચંદ્રકાન્ત ટોપીવાળા અને ડૉ સિતાંશુ યશશ્ચંદ્ર.
બંનેને પરસ્પર માટે જેટલો પ્રેમાદર છે તેટલો જ પ્રેમાદર ગુજરાતી વાચકો, વિદ્યાર્થીઓ અને લેખકોને આ બંને વિદ્વાનો માટે છે. ગુજરાતી સાહિત્યના કોઈ પણ મહત્વના કાર્યમાં બેઉ વિદ્વાનો પરસ્પરના સહજ પર્યાય બની શકે તેટલા સમર્થ છે.
પરિષદપ્રમુખની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. જે સભ્યોએ હજી પણ મતદાન કરવાનું બાકી હોય તેમને આગ્રહભરી વિનંતી કે ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્રને તમારો મત આપી, આજે જ, હમણાં જ, પરિષદકાર્યાલયને સરનામે રવાના કરશો.
।।મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।।
।। હમણાં જ આપો, સિતાંશુને જ મત આપો।।
ઇતિ મતદાન-વચન
પરેશ નાયક




Wednesday, 11 October 2017

PARISHAD ELECTIONS - BLOG 06

PARISHAD ELECTIONS - BLOG 06
ગુજરાતી સાહિત્ય પરિષદ 
પ્રમુખની ચૂંટણી 
2018-2020

ચૂંટણીનું ગાયન:
'ચાર ફૂલ, એક હાટ'

ઓરાં આવો તો કહું વાતડી બાબુ સુથાર!
તમ્મ માટે કાઢી મેં તો હાટડી બાબુ સુથાર!

મારી તે હાટડીમાં ચારચાર ફૂલ. 
દેવાં ચારેય વિના મૂલ, ઓ બાબુ સુથાર!
ઓરાં આવો તો-
પહેલું તે ફૂલ મને બળવંતે દીધું 
'ડાયસ્પોરા' કીધું એનું નામ, હે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
બીજું  તે ફૂલ મને સિતાંશુએ દીધું 
'સર્જકતા' દીધું એનું નામ, જો બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ત્રીજું તે ફૂલ મને બળવંતે દીધું.
'ડિજિટલ' પાડયું એનું નામ, તે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ચોથું તે ફૂલ મને સિતાંશુએ દીધું.
'સ્વાયત્તતા' એવું એનું નામ, હોં બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ચાર ચાર ફૂલ સજી ચૂંટણી તેડાવી મેં તો! 
'પોલીટીશીયન્ન' મારું નામ, રે બાબુ સુથાર! 
ઓરાં આવો તો-
દેજોદેજો રે તમે વોટ, કરી 'ચોકડી'.
અમને દેજો જરી સુગંધ, ઓ બાબુ સુથાર!

ઓરાં આવો તો કહું વાતડી બાબુ સુથાર!
તમ્મ માટે કાઢી મેં તો હાટડી બાબુ સુથાર!
-
।।મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।।
।।આપો, ઝટ આપો, સિતાંશુને જ મત આપો।।

ઇતિ વોટ-વચન

(વિદેશી ભારતીય મિત્ર બાબુ સુથારને, જવાબમાં.  )
પરેશ નાયક 

Thursday, 5 October 2017

PARISHAD ELECTIONS - BLOG 05

PARISHAD ELECTIONS - BLOG 05
ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખની ચૂંટણી 
2018-2020
પાંચ 

' શબ્દ ' અને ' અર્થ '

અર્થ શબ્દને તાવે કેવો!
શબ્દ અર્થને નાણે કેવો!

શબ્દ ખોળતાં અર્થ લાધીયો,
પડછાયાની કાયા જેવો.

અહો, કાચને તૃષ્ણા જાગી!
સ્પર્શ રૂપનો ભીનો એવો.

થયો અર્થ સંદર્ભ-વેગળો,
પદક ઝળહળ્યો, સામો જેવો!

હો અથવાનો અરથ અનેરો
જેવા સાથે કેવો તેવો!

અર્થ શબ્દને તાવે કેવો!
શબ્દ અર્થને નાણે કેવો!
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સર્જકતા' અને સિતાંશુને જ મત આપો ।।

ઇતિ વિસ્મયવચન 
(કવિ ગુલામમોહમ્મ્દ શેખની યાદમાં)
પરેશ નાયક 

Sunday, 1 October 2017

PARISHAD ELECTIONS - BLOG 04

PARISHAD ELECTIONS - BLOG 04

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી 
2018-2020
ચાર 

'ચૂંટણી' એ 'સ્વાયત્તત્તા'નું ઉપનામ છે.


પરિષદ સાથે સંકળાયેલા યુવા લેખકો અને સભ્યોએ એ વાત સમજવા જેવી છે કે પરિષદની વર્તમાન ચૂંટણીનો એક પ્રમુખ મુદ્દો ગુજરાતી સાહિત્યની સ્વાયત્તત્તાનો  છે.  
નિરંજન ભગત, ચંદ્રકાન્ત ટોપીવાળા, ધીરુ પરીખ, પ્રકાશ ન. શાહ જેવા વરિષ્ઠ અને સન્માનનીય સાહિત્યકારોનો અકાદમીની સ્વાયત્તતા વિશેનો  સતત આગ્રહ એ વિતંડાવાદ નહી પણ વિધાયક વિમર્શનું સ્વસ્થ ઉદાહરણ છે.

આજની સરકારી નિયંત્રણ હેઠળની અકાદમી આવતીકાલે પરિષદની સ્વાયત્તતાને ખંડિત કરી શકશે. એ કરતાં, આજની સ્વાયત્ત પરિષદ અકાદમી માટે પ્રેરણારૂપ બને એમાં આવતીકાલના ગુજરાતી સાહિત્ય વિષે શુભસંકેત છે.

જેટલી પારદર્શકતાથી પરિષદમાં ચૂંટણી યોજાઈ રહી છે તે સૂચવે છે કે પરિષદ સાચા અર્થમાં સ્વાયત્ત છે. અકાદમી નથી. હોવી જોઈએ.

કવિ સિતાંશુએ ભૂતકાળમાં પરિષદની કાર્યપદ્ધતિની આકરી ટીકા કરી છે. એથી પરિષદ ઉપરનો એમનો અધિકાર ઘટતો નથી, બેવડાય છે. બળવંત જાની પણ આજ લગી પરિષદ વિષે તટસ્થ હતા પણ હવે સક્રિય થવા ચાહે  છે, તો એમનો પણ એ સહજ અધિકાર છે. બેમાંથી કોને પ્રમુખપદે સ્થાપવા એ આપનો અધિકાર છે. સમયસર મતદાન કરી એ અધિકારને અદા કરીએ. અને એ રીતે ચૂંટણીને સ્વાયત્તતાના મૂલ્યરૂપે સ્થાપીએ. 
લોકશાહી સમાજમાં ચૂંટણી દુષણ નહિ આભૂષણ છે. 'ચૂંટણી' એ 'સ્વાયત્તતા'નું સાચું ઉપનામ છે.
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સ્વાયત્તતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ વિમર્શ 
પરેશ નાયક