Sunday, 15 October 2017

PARISHAD ELECTIONS - BLOG 07

ગુજરાતી સાહિત્યના બે સમર્થ વિદ્વાનો  - ડૉ ચંદ્રકાન્ત ટોપીવાળા અને ડૉ સિતાંશુ યશશ્ચંદ્ર.
બંનેને પરસ્પર માટે જેટલો પ્રેમાદર છે તેટલો જ પ્રેમાદર ગુજરાતી વાચકો, વિદ્યાર્થીઓ અને લેખકોને આ બંને વિદ્વાનો માટે છે. ગુજરાતી સાહિત્યના કોઈ પણ મહત્વના કાર્યમાં બેઉ વિદ્વાનો પરસ્પરના સહજ પર્યાય બની શકે તેટલા સમર્થ છે.
પરિષદપ્રમુખની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. જે સભ્યોએ હજી પણ મતદાન કરવાનું બાકી હોય તેમને આગ્રહભરી વિનંતી કે ડૉ. સિતાંશુ યશશ્ચન્દ્રને તમારો મત આપી, આજે જ, હમણાં જ, પરિષદકાર્યાલયને સરનામે રવાના કરશો.
।।મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।।
।। હમણાં જ આપો, સિતાંશુને જ મત આપો।।
ઇતિ મતદાન-વચન
પરેશ નાયક




Wednesday, 11 October 2017

PARISHAD ELECTIONS - BLOG 06

PARISHAD ELECTIONS - BLOG 06
ગુજરાતી સાહિત્ય પરિષદ 
પ્રમુખની ચૂંટણી 
2018-2020

ચૂંટણીનું ગાયન:
'ચાર ફૂલ, એક હાટ'

ઓરાં આવો તો કહું વાતડી બાબુ સુથાર!
તમ્મ માટે કાઢી મેં તો હાટડી બાબુ સુથાર!

મારી તે હાટડીમાં ચારચાર ફૂલ. 
દેવાં ચારેય વિના મૂલ, ઓ બાબુ સુથાર!
ઓરાં આવો તો-
પહેલું તે ફૂલ મને બળવંતે દીધું 
'ડાયસ્પોરા' કીધું એનું નામ, હે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
બીજું  તે ફૂલ મને સિતાંશુએ દીધું 
'સર્જકતા' દીધું એનું નામ, જો બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ત્રીજું તે ફૂલ મને બળવંતે દીધું.
'ડિજિટલ' પાડયું એનું નામ, તે બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ચોથું તે ફૂલ મને સિતાંશુએ દીધું.
'સ્વાયત્તતા' એવું એનું નામ, હોં બાબુ સુથાર!
ઓરાં આવો તો-
ચાર ચાર ફૂલ સજી ચૂંટણી તેડાવી મેં તો! 
'પોલીટીશીયન્ન' મારું નામ, રે બાબુ સુથાર! 
ઓરાં આવો તો-
દેજોદેજો રે તમે વોટ, કરી 'ચોકડી'.
અમને દેજો જરી સુગંધ, ઓ બાબુ સુથાર!

ઓરાં આવો તો કહું વાતડી બાબુ સુથાર!
તમ્મ માટે કાઢી મેં તો હાટડી બાબુ સુથાર!
-
।।મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો।।
।।આપો, ઝટ આપો, સિતાંશુને જ મત આપો।।

ઇતિ વોટ-વચન

(વિદેશી ભારતીય મિત્ર બાબુ સુથારને, જવાબમાં.  )
પરેશ નાયક 

Thursday, 5 October 2017

PARISHAD ELECTIONS - BLOG 05

PARISHAD ELECTIONS - BLOG 05
ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખની ચૂંટણી 
2018-2020
પાંચ 

' શબ્દ ' અને ' અર્થ '

અર્થ શબ્દને તાવે કેવો!
શબ્દ અર્થને નાણે કેવો!

શબ્દ ખોળતાં અર્થ લાધીયો,
પડછાયાની કાયા જેવો.

અહો, કાચને તૃષ્ણા જાગી!
સ્પર્શ રૂપનો ભીનો એવો.

થયો અર્થ સંદર્ભ-વેગળો,
પદક ઝળહળ્યો, સામો જેવો!

હો અથવાનો અરથ અનેરો
જેવા સાથે કેવો તેવો!

અર્થ શબ્દને તાવે કેવો!
શબ્દ અર્થને નાણે કેવો!
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સર્જકતા' અને સિતાંશુને જ મત આપો ।।

ઇતિ વિસ્મયવચન 
(કવિ ગુલામમોહમ્મ્દ શેખની યાદમાં)
પરેશ નાયક 

Sunday, 1 October 2017

PARISHAD ELECTIONS - BLOG 04

PARISHAD ELECTIONS - BLOG 04

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી 
2018-2020
ચાર 

'ચૂંટણી' એ 'સ્વાયત્તત્તા'નું ઉપનામ છે.


પરિષદ સાથે સંકળાયેલા યુવા લેખકો અને સભ્યોએ એ વાત સમજવા જેવી છે કે પરિષદની વર્તમાન ચૂંટણીનો એક પ્રમુખ મુદ્દો ગુજરાતી સાહિત્યની સ્વાયત્તત્તાનો  છે.  
નિરંજન ભગત, ચંદ્રકાન્ત ટોપીવાળા, ધીરુ પરીખ, પ્રકાશ ન. શાહ જેવા વરિષ્ઠ અને સન્માનનીય સાહિત્યકારોનો અકાદમીની સ્વાયત્તતા વિશેનો  સતત આગ્રહ એ વિતંડાવાદ નહી પણ વિધાયક વિમર્શનું સ્વસ્થ ઉદાહરણ છે.

આજની સરકારી નિયંત્રણ હેઠળની અકાદમી આવતીકાલે પરિષદની સ્વાયત્તતાને ખંડિત કરી શકશે. એ કરતાં, આજની સ્વાયત્ત પરિષદ અકાદમી માટે પ્રેરણારૂપ બને એમાં આવતીકાલના ગુજરાતી સાહિત્ય વિષે શુભસંકેત છે.

જેટલી પારદર્શકતાથી પરિષદમાં ચૂંટણી યોજાઈ રહી છે તે સૂચવે છે કે પરિષદ સાચા અર્થમાં સ્વાયત્ત છે. અકાદમી નથી. હોવી જોઈએ.

કવિ સિતાંશુએ ભૂતકાળમાં પરિષદની કાર્યપદ્ધતિની આકરી ટીકા કરી છે. એથી પરિષદ ઉપરનો એમનો અધિકાર ઘટતો નથી, બેવડાય છે. બળવંત જાની પણ આજ લગી પરિષદ વિષે તટસ્થ હતા પણ હવે સક્રિય થવા ચાહે  છે, તો એમનો પણ એ સહજ અધિકાર છે. બેમાંથી કોને પ્રમુખપદે સ્થાપવા એ આપનો અધિકાર છે. સમયસર મતદાન કરી એ અધિકારને અદા કરીએ. અને એ રીતે ચૂંટણીને સ્વાયત્તતાના મૂલ્યરૂપે સ્થાપીએ. 
લોકશાહી સમાજમાં ચૂંટણી દુષણ નહિ આભૂષણ છે. 'ચૂંટણી' એ 'સ્વાયત્તતા'નું સાચું ઉપનામ છે.
-
।। મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ।।
।। 'સ્વાયત્તતા' અને સિતાંશુને જ મત આપો ।।
ઇતિ વિમર્શ 
પરેશ નાયક