Thursday, 24 September 2020

 


પરિષદનું  કેન્દ્રબિંદુ : મધ્યસ્થ સમિતિ

'પરિષદની નીતિવિષયક બાબતો અંગેનો નિર્ણય મધ્યસ્થ સમિતિ કરશે.
[કલમ 5- અ, ગુજરાતી સાહિત્ય પરિષદનું સંવર્ધિત બંધારણ - ઓગષ્ટ 2020] 

ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા (Autonomy) પુનઃસ્થાપિત કરવા અંગે ઐતિહાસિક પહેલ કરનાર ભૂતપૂર્વ  પરિષદપ્રમુખ નારાયણ દેસાઈના નામને વીર નર્મદ યુનિવર્સીટીના નરેશ શુક્લ જેવા એક જવાબદાર અધ્યાપકે હાલની પ્રમુખપદની ચૂંટણીપ્રચારના આવેશમાં જે રીતે  ખરડવાની કોશિશ કરી તેથી દુઃખ થયું.  નારાયણભાઈ પરિષદપ્રમુખ બન્યા તે અગાઉ કોઈએ કરેલી સસ્તી નુક્તેચીનીને કશાય તાર્કિક સંદર્ભ વિના આજની ચર્ચામાં ફરી તાણી લાવી બે સસ્તા શબ્દો એમના નામ  સાથે ટેગ કરવાની એમની નાદાન ગુસ્તાખી માટે નરેશ શુક્લને ઇતિહાસ માફ નહીં કરે.


પરિષદની  હાલની ચૂંટણીમાં, અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો પ્રમુખ મુદ્દો ચોક્કસ છે, પણ એ એકમાત્ર મુદ્દો નથી. પરિષદના વહીવટમાં છેલ્લા ઘણા વર્ષોથી વરતાતી શિથિલતા પણ એક મહત્વનો મુદ્દો છે. પરંતુ આ બાબત પરિષદપ્રમુખ કરતાં પરિષદમંત્રીઓને વધુ લાગુ પડતી હોઈ મધ્યસ્થ સમિતિની ચૂંટણી સંદર્ભે એની ચર્ચા થાય તે ઇચ્છનીય છે.  જોકે નવા ચૂંટાનારા પ્રમુખ પણ એ વિષે સજગતા દાખવે તે અપેક્ષિત છે.

આ વખતની ચૂંટણી દરમ્યાન બીજો એક ગંભીર પ્રશ્ન સામે આવી ઉભો તે ચૂંટણીસમિતિ  દ્વારા ચકાસણી બાદ રદ કરાતા ઉમેદવારીપત્રકોનો. ખાસ તો, જેમની ઉમેદવારી આ રીતે રદ કરાય છે તેમને સમયસર અને વિધિસર તે અંગે પરિષદ કાર્યાલય તરફથી લેખિત જાણ કરાતી નથી, અને તે અંગે જેતે ઉમેદવારને અપીલમાં જવાનો અવકાશ  રહેતો નથી. આ સાચેજ ગંભીર બાબત છે. કેમકે, જયારે ચૂંટણી સમિતિ અથવા પરિષદકાર્યાલયની અનદેખીને લીધે અથવા અન્ય કારણોસર કોઈ સભ્યની ઉમેદવારી રદ કરાય છે ત્યારે ચૂંટણીમાં ભાગ લેવાના તે સભ્યના મૂળભૂત અધિકારનું  હનન થાય છે. પરિષદે આ અંગે જાહેર ખુલાસો કર્યા વિના ચાલશે નહીં.  

ખેર,  પરિષદ એક સ્વાયત્ત પ્રજાકીય સંસ્થા છે. કોઈ એક પ્રમુખ કે ટ્રસ્ટી કે કોઈ એક જૂથની જોહુકમી ત્યાં ચલાવી લેવાતી નથી. ભૂતકાળમાં જ્યારેજ્યારે એવી હરકત થવા પામી છે ત્યારેત્યારે તેનો લોકશાહી પદ્ધતિએ વિરોધ અને પ્રતિકાર કરવામાં આવ્યો છે. મુનશી-ઉમાશંકર એપિસોડ એનો પહેલો પુરાવો હતો. તો, છેલ્લા દોઢેક દશકથી પરિષદપ્રમુખની વિધિવત ચૂંટણી કરવાની થાય છે અને પ્રભાવશાળી સિનિયર્સ વડે કરાતા ચૂંટણી ટાળવાના પ્રયાસોને સફળતાપૂર્વક ખાળી શકાય છે તે આનો વધુ એક પુરાવો છે. વર્તમાન ચૂંટણીમાં સંવર્ધક અને સંસ્થાસભ્યોના વિભાગોમાં પહેલવહેલી વાર ચૂંટણી થઇ રહી છે તે પણ આ સંદર્ભે નોંધનીય બાબત છે. 

પરિષદનસંમેલનના  પ્રમુખ તે પરિષદના તેમજ તેની કાર્યવાહક અને મધ્યસ્થ સમિતિના પ્રમુખ ગણાય છે. પરિષદની કોઈ પણ કાર્યવાહી દરમ્યાન નીતિનિયમોના અર્થઘટન અંગે પ્રમુખનો નિર્ણય આખરી ગણવામાં આવે છે. આમ, પરિષદપ્રમુખ પરિષદના વહીવટી વડા પણ છે, પરંતુ વહીવટની તમામ કામગીરી મધ્યસ્થ સમિતિને આધીન રહીને કારોબારી સમિતિ કરે છે. 

આ કારોબારીના તમામ નિર્ણયોનો અમલ મહામંત્રી કરે છે.  અન્ય મંત્રીઓ પોતપોતાના વિભાગોની કામગીરી કરે છે. આ સર્વે આખરે મધ્યસ્થ સમિતિને અધીન છે, જેના વડા પરિષદપ્રમુખ છે.  

આ મુજબનું સંસ્થાના વહીવટનું મોડેલ પરિષદની સ્થાપના વખતે રણજિતરામે તત્કાલીન ફ્રેન્ચ એકેડેમીની સમાંતર કલ્પેલું. તત્કાલીન ફ્રેન્ચ એકેડેમીમાં પણ ચાલીસ સભ્યોની મધ્યસ્થ સમિતિની જોગવાઈ હતી. ચીમનભાઈ ત્રિવેદી અને નિરંજન ભગતે અગાઉ આ વિષે વિગતસર લખેલું છે. 

આજે જયારે વધુ એકવાર પરિષદના સભ્યો તેમના પ્રમુખ અને મધ્યસ્થ સમિતિની ચૂંટણી કરી રહ્યા છે ત્યારે સૌએ પરિષદના આ વહીવટી મોડેલનો ખ્યાલ રાખવો જોઈશે. એ જ રીતે પરિષદના ટીકાકારો તેમજ પ્રશંશકોએ અકાદમી અને પરિષદ વચ્ચેના મૂળભૂત ભેદને પણ સમજવો પડશે. ચૂંટણી દરમ્યાન થતી જાહેર ટીકાટિપ્પણો દરમ્યાન પરિષદની વહીવટી ક્ષતિઓ નો દોષ સીધેસીધો પ્રમુખને માથે ઢોળવામાં આવે તે ઠીક નથી. જેતે કાર્યકાળ માટે ચૂંટાયેલ મધ્યસ્થ સમિતિ અને સવિશેષ તો કાર્યવાહક સમિતિ અને તેના મંત્રીઓ આ માટે સૌ પહેલા જવાબદાર છે. 

સરવાળે, પરિષદ સભ્યોને નિવેદન કે એવા પ્રમુખ ચૂંટજો જેની પાસે પોતાના વિઝનને ભોંય પર ચરિતાર્થ કરવા સારું અનુકૂળ મધ્યસ્થ સમિતિ હોય, અને એવી મધ્યસ્થ સમિતિ ચૂંટજો જે પ્રમુખના વિઝનને કાર્યાન્વિત કરવા પ્રતિબદ્ધ હોય. 

PLEASE SHARE

Wednesday, 16 September 2020

પરિષદપ્રમુખની ચૂંટણીનો ત્રિકોણ 


'સાહિત્યના ઇતિહાસમાં એવો અનુભવ થાય છે કે કોઈ પણ સાહિત્યમાં સામાજિક સભાનતા સદાયને માટે કે દીર્ઘ સમય માટે પણ ગેરહાજર નથી રહેતી. ન રહી શકે.'  - નિરંજન ભગત 

[સ્વાધ્યાયલોક -1 પૃષ્ઠ 194] 


પ્રબુદ્ધ  વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાલા અને પ્રસિધ્ધ કવિ સિતાંશુ યશશ્ચન્દ્રના અનુગામી પરિષદપ્રમુખ તરીકે નિરીક્ષક-તંત્રી અને ગુજરાતના પીઢ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહ, કે પછી કવિ અને 'અખંડાનંદ'ના કાવ્યવિભાગના તંત્રી હરિકૃષ્ણ પાઠક અથવા કવિ અને 'શબ્દસૃષ્ટિ'ના ભૂતપૂર્વ તંત્રી હર્ષદ ત્રિવેદી ચૂંટાશે. મતલબ કે ત્રિપાંખિયો જંગ ખેલાશે.

 

યુવા ગુજરાત સાતમા નોરતાની રાત્રીએ વર્ચ્યુઅલ ગરબા રમવા થનગની રહ્યું હશે ત્યારે આગામી ત્રણ વર્ષ માટેના નવા પરિષદપ્રમુખના નામની અધિકૃત જાહેરાત થઇ ચુકી હશે. અને, દશેરા પહેલા મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા ચાલીસ સભ્યોના નામોની પણ જાહેરાત થઇ જશે. 


ગુજરાતમાં જાહેર સંસ્થાઓના સંચાલન અને નેતૃત્વનું ચિત્ર કેટલું નિરાશાજનક છે તે આપણે જાણીએ છીએ. ખાસ તો, માનવમૂલ્યો તેમજ  સાહિત્ય અને કલાનાં મૂળભૂત મૂલ્યોના સંરક્ષણ વિષે આ સંસ્થાઓમાં કેવું પ્રતિકૂળ વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે તેથી પણ આપણે વાકેફ છીએ. 

આવા મૂલ્યવિનાશી આક્રમક પવનો વચ્ચે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી એક નાની પણ સ્વાયત્ત સંસ્થા બચે કે ન બચે તેથી કયો મોટો ફેર પડી જવાનો છે, એવો ફિલસૂફ-અંદાજ ધરીને પોતાના બૌદ્ધિક સ્વાંગને સિનિકલ ભગવા પહેરાવી આખા ચિત્રમાંથી અલગ સરકી જનારા ઘણાં છે.  

પરંતુ, ક્યારેક એક નાનકડી શરૂઆત દૂરગામી ક્રાંતિની ચિનગારી બની રહેતી હોય છે. તો, પ્રારંભ પરત્વેનો પ્રમાદ પૂર્વે થયેલાં કામો ઉપર પાણી ફેરવી વાળતો હોય છે. માટે, પરિષદની વર્તમાન ચૂંટણીને, સિનિકો અને સુજ્ઞો બેઉએ હળવાશથી લેવાની જરૂર નથી. 

ખેર, પરિષદના બંધારણ અનુસાર, પરિષદપ્રમુખનું પદ ભલે સર્વોપરી ગણી શકાય, પરંતુ, સમગ્રપણે પરિષદના સંચાલન અને નીતિ વિષયક નિર્ણયો લેનારું કેન્દ્રીય ઘટક તો મધ્યસ્થ સમિતિ છે. પરિણામે,  મધ્યસ્થ સમિતિના ચુંટાયેલા ચાલીસ સભ્યો -જેમની પાસે મતાધિકાર હશે- તેમનાં  અધિકાર અને જવાબદારી સવિશેષ હશે.

આશા રાખીએ કે પરિષદપ્રમુખની  અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં પરિષદના મતદાતા-સભ્યો વધુ ને વધુ સંખ્યામાં જોડાય અને  લોકશાહી તેમજ લેખકોની સ્વાયત્તતા ઉપર તોળાઈ રહેલા સંકટસમયે ગાંધી-ગોવર્ધનરામ, ઉમાશંર-સુન્દરમ, અને રાજેન્દ્ર-નિરંજનની સૈકા જૂની સંસ્થાને નવું બળ આપે. 

તમામ ઉમેદવારો તથા તેમના ટેકેદારોને અપીલ કરીએ કે જ્ઞાતિજાતિ  કે વિચારધારાની મર્યાદાઓને વળોટી, સાહિત્યમાં સમાયેલા કલાના સામાજિક અને સૌંદર્યપરક મૂલ્યો વિશેની પ્રતિબદ્ધતા ઉજાગર કરી પરિષદને વ્યાપક અર્થમાં સમાવેશી અને પ્રગતિશીલ બનાવી શકે તેવા ઉમેદવારોને ચૂંટી કાઢવાની પહેલ કરે. એ જ રીતે, ચૂંટણી અધિકારીશ્રીને અરજ કરીએ કે મતદાનથી લઈને મતગણતરી સુધીની સાદ્યંત ચૂંટણીપ્રક્રિયા FREE & FARE  હોય તે માટે સતત કાળજી અને તકેદારી રાખે. 

PLEASE SHARE FREELY.